અલનીનોને કારણે સૌરાષ્ટ્રમાં આ વખતે નહિવત વરસાદ પડ્યો છે અને કૃષિ પાકને ફટકો પડે તેવા અંધાણ મળી રહ્યા હતા.પરંતુ શ્રાવણ કરતાં ભાદરવા મહિનાએ સૌરાષ્ટ્રને જીવતદાન આપ્યું છે.માત્ર ભાદરવા મહિનાના શરૂઆતના 13 દિવસમાં જ સૌરાષ્ટ્રમાં સરેરાશ 14.9 % વરસાદ થયો ગયો છે.જેના કારણે સુકાઈ રહેલા કૃષિ પાકને નવજીવન મળ્યું છે. બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. આ વિદાય પહેલા પણ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત રિજિયનમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે.જ્યારે આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે કારણ કે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે.હાલ રાજ્યમાં સરેરાશ 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.કચ્છમાં સામાન્ય તાપમાન 35 ડિગ્રી હોવું જોઈએ તેની સામે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી જતાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે.
