રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બે મજબૂત સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ નવી સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે બપોરે એક વાગ્યા સુધીમાં રાજ્યમાં 23 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 5 જિલ્લામાં ઓરેન્જ અને 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

આ વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં આજે બપોરે એક વાગ્યા સુધીમાં 23 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં આરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, આણંદ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં 40 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે. 

રાજ્યમાં હજુ પણ 31 ટકા વરસાદની ઘટ 

આગામી દિવસોની આગાહી મુજબ, સક્રિય થયેલી આ સિસ્ટમની અસર હેઠળ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારી એવી મેઘમહેર થવાની સંભાવના છે.આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ છુટાછવાયા વરસાદની પુરેપુરી સંભાવના છે. નોંધનીય છે કે ચાલુ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં હજુ પણ 31 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે.તેવામાં નવેસરથી શરૂ થયેલો આ વરસાદી રાઉન્ડ ઓછી વરસાદી ઘટને પુરી કરવામાં ખેડૂતો અને નાગરિકો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે.

આ પણ વાંચોઃ Gujarat weather: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી