હાલમાં રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બે મજબૂત સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ નવી સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે પરંતુ ભારે કે અતિભારે વરસાદ પડે તેવી શક્યતા હાલ નહિવત સેવાઈ રહી છે.
24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સૌથી વધુ મહેર જોવા મળી છે.જેમાં તાપીના વાલોડ, વલસાડના ઉમરગામ તેમજ વ્યારા અને ઉકાઈ પંથકમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ મેઘરાજાએ સરેરાશ 2 ઈંચ જેટલી હાજરી પુરાવી છે.જ્યારે વલસાડના નાનાપૌંડા અને નવસારીના ચીખલીમાં 1.5 ઈંચ તેમજ નવસારી શહેરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.આ મુખ્ય વિસ્તારો ઉપરાંત રાજ્યના અન્ય 88 તાલુકાઓમાં પણ ધીમી ધારે નોંધપાત્ર વરસાદી ઝાપટાં પડ્યા છે.
