રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની જબરદસ્ત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેવાની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને 8 જેટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે, જ્યારે 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ને બાકીના 5 જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

રાજ્યના આ વિસ્તારોમાં વિવિધ એલર્ટ જાહેર કરાયા

દેવભૂમી દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.

આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 109 તાલુકાઓમાં વરસાદ

આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 109 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદી સિસ્ટમમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળ તાલુકામાં 8.94 ઈંચ જેટલો અત્યંત ભારે નોંધાયો છે. આ ઉપરાંત માળિયા હાટીનામાં 5.98 ઈંચ, કેશોદમાં 5.87 ઈંચ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 5.16 ઈંચ વરસાદ પડતા આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યના 4 તાલુકાઓમાં 5 ઈંચથી વધુ વરસાદ થયો

રાજ્યના 4 તાલુકાઓમાં 5 ઈંચથી વધુ, 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ, 8 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ અને 16 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. માણાવદરમાં 4.65 ઈંચ, વેરાવળમાં 4.09 ઈંચ, સુરતના ઓલપાડમાં 3.7 ઈંચ, વંથલીમાં 3.31 ઈંચ, શિનોરમાં 2.95 ઈંચ અને કોડીનારમાં 2.48 ઈંચ વરસાદ નોંધાયો છે. એકંદરે સમગ્ર રાજ્યમાં વરસી રહેલા આ ધોધમાર વરસાદને પગલે નદી-નાળાઓ છલકાઈ ગયા છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચોઃ Gujarat Rain: જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગ, કેશોદ શહેરમાં અનરાધાર વરસાદ, જુઓ Video