ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ કલાક રાજ્ય માટે અત્યંત ભારે સાબિત થઈ શકે તેમ છે.હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ટૂંકા ગાળા દરમિયાન તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

16 જિલ્લાઓ અને સંઘ પ્રદેશોમાં રેડ એલર્ટ

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભરૂચ, આણંદ, નવસારી, વલસાડ, વડોદરા, સુરત, ખેડા, ડાપી અને ડાંગ ઉપરાંત અમદાવાદ, બોટાદ અને ભાવનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સાથે જ સીમાવર્તી સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે.

બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને તંત્રની સાવચેતી

રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓ સિવાયના રાજ્યના તમામ બાકી રહેતા જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આ કટોકટીની આગાહીને પગલે તમામ જિલ્લા વહીવટી તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. નાગરિકોને પણ આગામી કલાકો દરમિયાન ખૂબ જ સાવચેત રહેવા, વિના કારણે મુસાફરી ન કરવા અને સુરક્ષિત સ્થળોએ જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

સુરતમાં આગામી 24 કલાક ભારે 

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આગામી 24 કલાક માટે રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.આ પરિસ્થિતિ અંગે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા મનપા કમિશનર એમ.નાગરાજને લોકોને અપીલ કરી હતી કે આગામી 24 કલાક સૌએ ભારે સંયમ અને સાવચેતી રાખવી પડશે.વરસાદની શક્યતાને જોતાં નાગરિકોને વિના કારણે ઘરની બહાર ન નીકળવા અને પૂરેપૂરી તકેદારી રાખવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ Surat Rain News: શહેરમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જિલ્લામાં રેડ એલર્ટ યથાવત