ગુજરાત માટે આગામી 3 કલાક અત્યંત મહત્વપૂર્ણ ગણાવાઈ રહ્યા છે. સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા રાજ્યના 17 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 14 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને ૩ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને તંત્રને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યું છે. 

આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, સાબરકાંઠા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જામનગર. દેવભૂમી દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

બપોરે બેથી ચાર વાગ્યા સુધીમાં 110 તાલુકાઓમાં મેઘમહેર

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે આજે બપોરે 2 થી 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 110 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ખાબક્યો છે. નેત્રંગમાં માત્ર બે જ કલાકમાં 4.45 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકાઓની વાત કરીએ તો સુરતના અંબિકામાં 3.94 ઈંચ, માંગરોળમાં 2.99 ઈંચ, વલસાડના ધરમપુરમાં 3.39 ઈંચ અને વલસાડ શહેરમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ડાંગના સુબિરમાં 2.83 ઈંચ, મધ્ય ગુજરાતમાં ખેડાના વસોમાં 2.65 ઈંચ તથા મહેમદાવાદમાં 2.44 ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ નવસારીના ખેરગામમાં 2.44 ઈંચ અને વાંસદામાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ