રાજ્યમાં બપોરે એક વાગ્યા સુધીમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.7જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 24 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સક્રિય થયેલી 'અપર એર સાયક્લોનિક' સિસ્ટમની સીધી અસરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે. પવનની ગતિ 40થી 60 કિ.મીની રહેશે.
આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં મેઘરાજાએ જબરદસ્ત મહેર વરસાવતા છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં બપોરે એક વાગ્યા સુધી કુલ 3 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ગીરસોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, વલસાડ, નવસારી અને દાદરાનગર હવેલીમાં માં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
