ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની તીવ્રતા વધતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગો માટે કલર કોડેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ખાસ કરીને ઉત્તર ગુજરાતના ત્રણ મુખ્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે બે ડઝનથી પણ વધુ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી તંત્રને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ,ઉત્તર અને પૂર્વ ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાને જોઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.આ વિસ્તારોમાં કલાકના 15 મીમીથી પણ વધુ ઝડપે મુસળધાર વરસાદ ખાબકી શકે છે.જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે.

આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેવાની હોવાથી બે ડઝનથી વધુ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણમાં પણ ભારે વરસાદની ચેતવણી રૂપે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી

હવામાન વિભાગ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા આગામી દિવસોમાં મુસળધાર વરસાદની આગાહીને પગલે તમામ સ્થાનિક વહીવટી તંત્રોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો તથા માછીમારોને બિનજરૂરી પ્રવાસ ટાળવા, કોઝવે કે નદી કિનારે ન જવા તેમજ હવામાનની સત્તાવાર સૂચનાઓને અનુસરીને પૂરેપૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: મારા સંસદીય વિસ્તારના ગામોની લાયબ્રેરીને ડિજિટલી જોડવામાં આવી છે : ગૃહમંત્રી અમિત શાહ