અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત ખાબકી રહેલા અતિભારે વરસાદના કારણે તમામ રસ્તાઓ અને સ્ટેટ હાઇવે જળમગ્ન બન્યા છે. હાઇવે પરથી નદીઓની જેમ વહી રહેલા પૂરના પાણી વાહનવ્યવહાર માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે. દરમિયાન વિરમગામ-માળીયા સ્ટેટ હાઇવે પર એક મોટી હોનારત ટળી હતી.

 રસ્તાઓ અને સ્ટેટ હાઇવે જળમગ્ન બન્યા

https://www.instagram.com/reel/DbMvPgQDG7X/?utm_source=ig_web_button_share_sheet

અમદાવાદ ગ્રામ્યમાં મોટી આફત ટળી

મળતી વિગતો અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ની અમદાવાદથી નખત્રાણા તરફ જઈ રહેલી એસ.ટી. બસ પોતાના નિર્ધારિત રૂટ પર વિરમગામ-માળીયા સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહી હતી. આ સમયે હાઇવે પરથી વરસાદી પૂરના પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હતો. બસ જ્યારે ધસમસતા પાણીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પાણીના ભારે પ્રહાર અને સબળ વહેણના કારણે બસ બેલેન્સ ગુમાવી બેઠી હતી અને રોડ પર પલટી મારી ગઈ હતી.

પૂરના પાણીના પ્રહારમાં ST બસ પલટી

એસ.ટી. બસ પૂરના પાણી વચ્ચે અચાનક પલટી મારી જતાં બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ અને અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને હાઇવે પરથી પસાર થતા લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઇમરજન્સી ટીમો અને સ્થાનિકોએ ભેગા મળીને પલટેલી બસમાંથી એક પછી એક તમામ મુસાફરોનું સાહસિક રેસ્ક્યૂ કર્યું હતું.સુખદ બાબત એ રહી કે પૂરના પ્રવાહમાં બસ પલટી ગઈ હોવા છતાં સમયસૂચકતા અને ઝડપી બચાવ કામગીરીના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

મુસાફરોના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો

આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને મુસાફરોના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા વિરમગામ-માળીયા સ્ટેટ હાઇવે પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી વાહનચાલકોને અત્યારે આ માર્ગ પરથી પસાર ન થવા કડક સૂચના આપવામાં આવી છે અને બેરિકેટિંગ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Sandesh Digital Explainer: ક્લાઈમેટ ચેન્જ અને અર્બન ફ્લડ, વરસાદની બદલાતી પેટર્ન શહેરો માટે કેટલી જોખમી?