અમદાવાદ જિલ્લાના વિરમગામ અને માંડલ પંથકમાં મેઘરાજાએ મચાવેલા તાંડવને કારણે ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વિરમગામમાં રેકોર્ડબ્રેક 18 ઇંચ અને માંડલ પંથકમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદી આંકડાઓએ સમગ્ર વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ નિર્માણ કરી દીધી છે.
ઉપરવાસના પાણી ઘૂસતાં 2000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
સ્થાનિક વરસાદની સાથે ઉપરવાસમાંથી આવેલા પૂરના પાણી પણ નીચાણવાળા અને મુખ્ય રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. અનેક સોસાયટીઓ અને રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો દ્વારા જળમગ્ન વિસ્તારોમાંથી અંદાજે 2000 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

પાણી ન ઓસરતાં જનજીવન ઠપ્પ
વરસાદે વિરામ લીધો હોવા છતાં નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે હજુ સુધી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણી ભરાયેલા રહેવાને કારણે વિરમગામ અને માંડલના શહેરીજનોનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ રહેતાં લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને દૈનિક કામગીરીમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
પ્રી-મોન્સૂન પ્લાન નિષ્ફળ જતાં વિરમગામ પાલિકા સામે ભારે રોષ
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરમગામ નગરપાલિકાનો પ્રી-મોન્સૂન પ્લાન ચોમાસાના પ્રારંભે જ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને યોગ્ય ગટર-નાળાંની સફાઈના અભાવે ચોમેર પાણી ભરાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ચોમાસા પહેલાં માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવનાર નિષ્ઠૂર તંત્ર સામે નીચાણવાળા વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Ahmedabadમાં વરસાદે વિરામ લીધો છતાં સમસ્યા યથાવત, ગોદરેજ ગાર્ડન સિટીના ચાર રસ્તા પર જળબંબાકારથી સ્થાનિકો પરેશાન