ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ જો કોઈ પ્રદેશ જીવંત થઈ ઉઠતો હોય તો તે ડાંગ જિલ્લો છે. ડાંગમાં હાલમાં અવિરત વરસાદી માહોલ છવાયેલો છે. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા સહિતના સમગ્ર પંથકોમાં મેઘરાજાએ કૃપા વરસાવતા ડાંગની ગિરિમાળાઓ પ્રકૃતિના અદ્ભુત રંગે રંગાઈ ગઈ છે. અહીંનો ઘાટ માર્ગ અને પર્વતો અત્યારે કોઈ સ્વર્ગ જેવા ભાસી રહ્યા છે, જે મુસાફરો અને પર્યટકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મેઘમહેરમાં સોળે કળાએ ખીલેલું ડાંગ
https://www.instagram.com/reel/DaUlN0SDkek/?utm_source=ig_web_button_share_sheet
શંકર ધોધ અને ઘોઘલી ઘાટ પર કુદરતની મહેર
ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ઘોઘલી ઘાટનું સૌંદર્ય આ દિવસોમાં ચરમસીમાએ પહોંચ્યું છે. ઘાટ માર્ગ પરથી પસાર થતી વખતે રસ્તાની બંને બાજુ વહેતા પાણીના મોન્સૂન ઝરણાં અને ખીણોમાંથી પસાર થતાં વાદળો વાહનચાલકોને રોમાંચિત કરી રહ્યા છે. આ સાથે જ પ્રખ્યાત શંકર ધોધ પણ પાણીની ભરપૂર આવકને કારણે રૌદ્ર અને અત્યંત સુંદર સ્વરૂપે વહી રહ્યો છે. ઊંચાઈ પરથી પહાડોને ચીરીને પડતા સફેદ દૂધ જેવા પાણીના પ્રવાહને નિહાળવા માટે સેંકડો પ્રવાસીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે અને સેલ્ફી તેમજ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
સેફ ટુરિઝમ માટે પ્રશાસનની અપીલ
ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલવાના કારણે હોટેલ ઉદ્યોગ અને સ્થાનિક આદિવાસી રોજગારીને મોટો વેગ મળ્યો છે. શનિ-રવિની રજાઓમાં સાપુતારા, ગિરા ધોધ, ઘોઘલી ઘાટ અને શંકર ધોધ જેવા સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે, ધોધમાર વરસાદને કારણે ઘાટ માર્ગો પર ભૂસ્ખલનનો ભય રહેતો હોવાથી અને પહાડી રસ્તાઓ પર ભારે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઓછી થતી હોવાથી, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને ધોધના જોખમી વહેણ વાળા પાણીમાં ન ઉતરવા ખાસ વિનંતી કરી છે.
આ પણ વાંચો: Valsad:નાનકવાડા રોડ પર મારુતિ વાન કાર પાણીમાં ફસાઈ, સ્થાનિકોએ ભારે જહેમત બાદ કાર બહાર કાઢી