વલસાડ નગરપાલિકા વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી શરૂ થયેલા અવિરત વરસાદે પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી છે. વલસાડના અત્યંત વ્યસ્ત ગણાતા નાનકવાડા વિસ્તારમાં બપોર બાદ ખાબકેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ ભરાયેલા પાણીના કારણે હજારો વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
વલસાડમાં મેઘરાજાનો પ્રકોપ

https://twitter.com/sandeshnews/status/2072934004118982987

ઘરે જઈ રહેલા કારચાલકની ગાડી અધવચ્ચે જળમગ્ન થઈ

આ ભયાનક જળબંબોળની સ્થિતિ વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી હતી. નાનકવાડાથી ખારીયા તરફ જતા મુખ્ય માર્ગ પરથી એક મારુતિ વાન કાર પસાર થઈ રહી હતી. કારચાલક વરસાદની ગંભીરતા વચ્ચે વહેલી તકે પોતાના ઘરે પહોંચવા મથી રહ્યો હતો, પરંતુ નાનકવાડા-ખારીયા રોડ પર કમર સુધી ભરાયેલા પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા કાર અધવચ્ચે જ એન્જિનમાં પાણી ઘૂસી જવાથી બંધ પડી ગઈ હતી. કાર બંધ થતાં જ પાણીનો પ્રવાહ વધવા લાગ્યો હતો અને કારચાલક અંદર ફસાઈ ગયો હતો.

યુવાનોએ સમયસૂચકતા વાપરી કારને બહાર ખેંચી

આ દ્રશ્ય જોતાં જ આસપાસના ઘરોમાં રહેતા સ્થાનિક યુવાનો અને રહીશો તુરંત જ ધોધમાર વરસાદમાં રસ્તા પર દોડી આવ્યા હતા. વલસાડના આ સ્થાનિક વહારે આવેલા લોકોએ પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે ઊભા રહીને મારુતિ વાનને પાછળથી જોરદાર ધક્કા મારવાનું શરૂ કર્યું હતું. ભારે જહેમત અને કલાકોની મુશ્કેલી બાદ આખરે કારને પાણીના ખાડામાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ માર્ગ પર ડ્રેનેજ લાઈનની સફાઈ ન થઈ હોવાથી દર વર્ષે આવી જ જોખમી સ્થિતિ સર્જાય છે.

આ પણ વાંચો: Gandhinagar: રાજ્યમાં 225 વીજ ફીડર્સ ખોરવાતા અનેક વિસ્તારોમાં ઘોર અંધારપટ, 99 વીજ થાંભલા ધરાશાયી