પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ અને વાહનચાલકો હાલ રસ્તાઓની બિસ્માર હાલતથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અંબાજી મંદિરના મુખ્ય 'શક્તિદ્વાર'ની તદ્દન સામે જ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતાં 'ચાંદ જમીન પર' આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પવિત્ર ધામમાં આવતા ભક્તોને રોડ પરના ખાડાઓના કારણે પસાર થતી વખતે અત્યંત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી યાત્રિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
વાહનોને ભારે નુકસાન અને તંત્રનું મૌન
સ્થિતિ એ હદે વણસી છે કે એક તરફનો રોડ વિકાસકાર્યોના નામે બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ખુલ્લા માર્ગ પર ખાડા અને પાણી ભરાઈ જવાના કારણે વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે. ઓછી હાઇટ ધરાવતી ગાડીઓના બમ્પર અને નીચેનો ભાગ નીચે અથડાવાને કારણે વાહનો તૂટવાના બનાવો પણ રોજિંદા બન્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક માર્ગ અને મકાન (R&B) વિભાગની ઓફિસ આ સ્થળની તદ્દન નજીક આવેલી હોવા છતાં જવાબદાર અધિકારીઓ આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરીને મૌન સેવી રહ્યા છે.
