અમરેલી જિલ્લાભરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાને રાખીને મોટા પગલાં લેવામાં આવ્યા છે. હવામાનમાં અચાનક આવેલા પલટા અને દરિયામાં સર્જાયેલી હલચલને પગલે અમરેલીના પ્રખ્યાત જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં વરસાદની તીવ્રતા વધી રહી છે ત્યારે દરિયાઈ ક્ષેત્રમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તંત્ર દ્વારા સમગ્ર દરિયાકાંઠાના બેલ્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે.
આગામી 24 કલાકમાં પવન અને વરસાદનું જોર વધવાની શક્યતા
હવામાન વિભાગ અને તંત્ર દ્વારા વ્યક્ત કરાયેલી શક્યતા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન અમરેલીના સમગ્ર દરિયાઈ કોસ્ટલ બેલ્ટ પર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, તેમજ વરસાદનું જોર પણ વધી શકે છે. આ ઉપરાંત દરિયામાં કરંટ વધવાને કારણે 'હાઈ ટાઈડ' (દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સ્થિતિ) સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. ખરાબ હવામાન અને પવનની તીવ્રતાને કારણે દરિયામાં ભારે અશાંતિ જોવા મળી રહી છે.
