હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. હાલ રાજ્ય પર એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે 13 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ‘રેડ એલર્ટ’ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં ‘યલો એલર્ટ’ સાથે વાવાઝોડા અને ભારે વરસાદની ભીતિ દર્શાવવામાં આવી છે.
મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં રેડ તથા ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે કલાક એટલે કે બપોરે ૪ વાગ્યા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું ભારે સંકટ વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, આણંદ સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર એમ પાંચ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે, જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
14 અને 15 સપ્ટેમ્બરની આગાહી
વરસાદનું આ જોર 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન પણ યથાવત રહેવાની શક્યતા છે. 14 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ‘ઓરેન્જ એલર્ટ’ સાથે અતિભારે વરસાદ પડી શકે છે. તે જ દિવસે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી છે. ત્યારબાદ 15 સપ્ટેમ્બરના રોજ જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ‘યલો એલર્ટ’ સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે.
60 થી 70 કિમીની ઝડપે પવન અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વરસાદની સાથે સાથે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને મેદાની ભાગોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ચક્રવાતી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તુફાની પવન અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 13 થી 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડા સાથે ખાબકનારા આ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર રહેવા આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Vadodaraમાં એકતરફ મેઘરાજાની મહેરબાની, બીજીતરફ ભ્રષ્ટાચારનો ભૂવો! રોડની ગુણવત્તા સામે સ્થાનિકોનો વિરોધ