આણંદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અવિરતપણે મહેરબાન થઈ રહ્યા છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે એક તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તો બીજી તરફ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ભારે આનંદ અને રાહતની લાગણી જોવા મળી રહી છે.

બોરસદમાં 2 કલાકમાં 4.7 ઈંચ વરસાદ, માર્ગો બન્યા બેટ

બોરસદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં 4.7 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર બોરસદ શહેર પાણી-પાણી થઈ ગયું હતું. જોકે ગત 24 કલાકમાં આણંદના બોરસદમાં 5.24 ઇંચ વરસાદ નોંધાયો છે. સૂર્યમંદિરથી બસ સ્ટેન્ડને જોડતા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

Anand Rain Update: Rain in Anand District, Waterlogging in Borsad & Petlad, Huge Relief for Farmers in Tarapur

આ ઉપરાંત ભોભાફળી, જનતા બજાર અને રબારી ચકલા જેવા વેપારી તથા રહેણાંક વિસ્તારો પણ જળમગ્ન બન્યા હતા. નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી, કારણ કે વરસાદી પાણીના નિકાલના સ્થળોએ કચરો ભરાઈ જતાં પાણીનો પ્રવાહ અટકી ગયો હતો. જોકે, પાછળથી વરસાદનું જોર ઘટતાં પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યા હતા. બોરસદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે નાપા, કાવીઠા, દાવોલ, રાસ અને ઝારોલામાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો હતો.

Anand Rain Update: Rain in Anand District, Waterlogging in Borsad & Petlad, Huge Relief for Farmers in Tarapur

પેટલાદમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી

પેટલાદ પંથકમાં મોડી રાત્રિથી શરૂ થયેલો અવિરત વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો હતો. ધોધમાર વરસાદને કારણે પેટલાદના સાઈનાથ રોડ, સાઈનાથ મંદિર નજીક, બસ સ્ટેન્ડથી કાલકા ગેટ જવાના માર્ગ અને ઈસરામા રોડ પર ભારે પાણી ભરાઈ ગયા હતા. સાઈનાથ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 2 દિવસથી પડી રહેલા આ વરસાદને કારણે સ્થાનિક જનજીવન પર સીધી અસર પડી છે.

https://twitter.com/sandeshnews/status/2099373247729107106

તારાપુરમાં 40 દિવસના વિરામ બાદ મેઘમહેર, ડાંગરના પાકને સંજીવની

તારાપુર, ખંભાત અને ભાલ પંથકના ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. તારાપુરમાં સતત 40 દિવસના લાંબા વિરામ બાદ રાત્રે 3:00 વાગ્યાથી ચોધાર વરસાદ શરૂ થયો હતો. આણંદના તારાપુરમાં 3.07 ઇંચ વરસાદ નોંધાયો છે. આ પંથકમાં અંદાજે 29,000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. વરસાદના અભાવે અને કેનાલોમાં પણ અપૂરતું પાણી હોવાથી ખેતરોમાં તિરાડો પડી ગઈ હતી અને ડાંગરનો પાક સુકાઈને નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી, પરંતુ આ સમયસરના વરસાદે ડાંગરના પાકને નવું જીવનદાન આપ્યું છે. અસહ્ય બફારાથી લોકોને મુક્તિ મળી છે અને ખેડૂતોના ચહેરા પર ફરી એકવાર સ્મિત અને આશાનું કિરણ ફૂટ્યું છે.


Anand Rain Update: Rain in Anand District, Waterlogging in Borsad & Petlad, Huge Relief for Farmers in Tarapur


આ પણ વાંચો: Petlad પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર