ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા તોફાની વરસાદ અને ઉપરવાસની વિપુલ પાણીની આવકના કારણે જિલ્લાના નાના-મોટા તમામ જળાશયોમાં પાણીનો વિપુલ જથ્થો જમા થઈ રહ્યો છે. વાલિયા અને અંકલેશ્વરમાં પૂરની કટોકટી વચ્ચે હવે ઝઘડિયા તાલુકામાં આવેલા જાણીતા ધોલી ડેમમાં પૂરના નવા નીરની સપાટી ભયજનક રીતે વધી રહી છે.

ધોલી ડેમ ભયજનક સપાટી પર

છેલ્લા 24 કલાકમાં ઝઘડિયા તાલુકામાં અને ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે ધોલી ગામ પાસે આવેલો ધોલી ડેમ 80ટકા જેટલો છલોછલ ભરાઈ ગયો છે. ડેમની પાણીની સપાટીમાં પ્રતિ કલાક નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તકનીકી આંકડા મુજબ ધોલી ડેમની મહત્તમ ક્ષમતા 136 મીટર છે, જેની સામે હાલ ડેમની જળસપાટી 134.50 મીટરે પહોંચી ગઈ છે. ડેમ તેની પૂર્ણ સપાટીથી હવે માત્ર 1.50 મીટર જ દૂર છે.

13 ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ જારી

ડેમની સપાટી સતત વધી રહી હોવાથી અને પાણીનું વહેણ ચાલુ હોવાથી ડેમ કોઈપણ ક્ષણે રૂટિન મુજબ કે દરવાજા ખોલીને ઓવરફ્લો થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા કલેક્ટર અને ઝઘડિયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હેઠવાસમાં આવતા 13 ગામોને સાવચેત રહેવા હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

13 ગામોને હાઇ એલર્ટ કરાયા

એલર્ટ કરવામાં આવેલા મુખ્ય ગામોમાં ધોલી, રઝલવાડા, વણાંકપોર, રાજપારડી, બાલાઠા અને કાંટોલ ઉપરાંત આસપાસના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ તમામ ગામોના સરપંચો, તલાટીઓ અને સ્થાનિક ગ્રામજનોને સૂચના આપી દેવામાં આવી છે કે ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવે અથવા ડેમ ઓવરફ્લો થાય તો નદીના કાંઠા કે નીચાણવાળા વિસ્તારોમાં જવું નહીં. પશુધનને પણ સલામત સ્થળે ખસેડવા અને માછીમારો કે ગ્રામજનોને કોઝવે કે નદી પર ન જવાની કડક હિદાયત આપવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: જળબંબાકારની સ્થિતિ વચ્ચે 24 જુલાઈએ શહેરની તમામ શાળાઓ અને કૉલેજો બંધ રહેશે