હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે, જેમાં કેશોદ શહેર અને સોદરડા, કોયલાણા, કેવદ્રા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ શરુ થયેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

ભાવનગર જિલ્લામાં રાતભર સાર્વત્રિક વરસાદ

ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગત રાત્રિથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં રાત્રિ દરમિયાન સરેરાશ 1 ઈંચ (25.3 મિમી) વરસાદ નોંધાયો છે, જ્યારે ભાવનગર શહેરમાં 24 કલાકમાં કુલ 45 મિમી (આશરે 2 ઈંચ) વરસાદ પડ્યો છે. તાલુકાવાર વરસાદના આંકડા જોઈએ તો ઘોઘામાં સૌથી વધુ 82 મિમી (પોણા 4 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તળાજામાં 40 મિમી, સિહોરમાં 23 મિમી, પાલીતાણામાં 17 મિમી, મહુવામાં 13 મિમી, ઉમરાળામાં 11 મિમી, જેસરમાં 9 મિમી, ગારિયાધારમાં 7 મિમી અને વલ્લભીપુરમાં 6 મિમી વરસાદ નોંધાયો છે.

ઊભા પાકને મળ્યું સંજીવની જીવનદાન

રાજકોટના જસદણ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદી માહોલ ચાલુ છે. લાંબા સમય પછી પધારેલા આ વરસાદથી ખેતરોમાં વાવેતર કરેલા કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને તુવેર જેવા ઊભા પાકોને મોટું જીવનદાન મળ્યું છે. સુકાઈ રહેલા પાકને સમયસર પાણી મળી જતાં તેનો સીધો ફાયદો ઉત્પાદન પર થશે. વરસાદી માહોલને કારણે ચોમાસુ પાક બચી જવાની આશા જાગતાં જ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂત આલમમાં ભારે ખુશી અને હાસકારાની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો : Rain Update : સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદની એન્ટ્રી, મગફળી-કપાસનો પાક બચી ગયો, ખેડૂતોમાં આનંદ