છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ભારે વરસાદના પગલે ઢાઢર નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના લીધે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને કન્ટેશ્વર અને કાળી તલાવડી ગામ વચ્ચે આવેલો મુખ્ય કોઝવે નદીના વહેતા ધસમસતા પ્રવાહમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે.
6 થી 7 ફૂટ પાણી ફરી વળતાં શનિવાર સાંજથી સંપર્ક કપાયો
ઢાઢર નદીમાં પાણીની આવક સતત વધતાં કન્ટેશ્વર-કાળી તલાવડી કોઝવે પર આશરે 6 થી 7 ફૂટ જેટલાં પાણી ફરી વળ્યાં છે. ગત શનિવાર સાંજથી જ પાણીનું સ્તર અતિશય વધી જતાં બંને ગામો વચ્ચેનો સીધો માર્ગ સંપર્કવિહોણો બની ગયો છે. કોઝવે પરથી પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકી ગયો છે અને સ્થાનિક રહીશો તથા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
