દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે. તેમણે જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક (SP), રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ, બચાવ કામગીરી અને આગામી પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
જિલ્લા તંત્ર હાલ હાઈ એલર્ટ પર
જિલ્લા તંત્ર હાલ હાઈ એલર્ટ પર છે અને કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વણસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NDRFની એક ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી છે, જ્યારે SDRFની બે ટીમો પહેલેથી જ વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. જરૂર પડે તો એર લિફ્ટ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે માટે પણ તૈયારી પૂર્ણ કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
બાઈક પર જઈ રહેલા બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા
ભારે વરસાદ વચ્ચે વાંસદા વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં બાઈક પર જઈ રહેલા બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બંનેની શોધખોળ માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં સતત વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લાના તમામ શાળા અને કોલેજોમાં આવતીકાલે 24 જુલાઈએ પણ રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટરે સત્તાવાર સૂચના બહાર પાડી છે.
નવસારી-સુરત વચ્ચેનો સ્ટેટ હાઈવે વાહનવ્યવહાર માટે બંધ
બીજી તરફ પૂર્ણા નદીનું પાણી માર્ગ પર ફરી વળતાં નવસારી-સુરત વચ્ચેનો સ્ટેટ હાઈવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. માર્ગ બંધ થતાં બંને શહેરો વચ્ચે અવરજવર પ્રભાવિત થઈ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Navsari Rain Update: પૂર્ણા અને કાવેરી નદીનું રોદ્ર સ્વરૂપ, શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ