નવસારી જિલ્લામાં આફતરૂપી વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા કલેક્ટરે 24 જુલાઈના રોજ પણ જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને રજા જાહેર કરવાનો સત્તાવાર આદેશ આપ્યો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

શહેરનો 40% વિસ્તાર જળમગ્ન, 50,000 લોકો પ્રભાવિત

ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ઘૂસી ગયા છે. નવસારી શહેરનો 40% થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેનાથી આશરે 50,000 જેટલા લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ખાસ કરીને વિજલપોર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આકાશી દૃશ્યોમાં સમગ્ર શહેર પૂર્ણા નદીના પાણી વચ્ચે ઘેરાયેલું અને વ્યાપક તારાજી સર્જાયેલી જોવા મળી રહી છે.

navsari rain update

કાવેરી નદીમાં પૂરથી 5 ગામ સંપર્ક વિહોણા

નવસારીમાં કાવેરી નદીનું જળસ્તર ભયજનક રીતે વધતાં પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે. વર્ષ 2021 પછી પહેલી વખત કાવેરી નદીમાં આટલું મોટું પૂર જોવા મળ્યું છે. મુખ્ય રસ્તો બંધ થતાં મલીયાધરા, તેજલાવ, ચીમલા અને બલવાડા સહિતના 5 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

https://twitter.com/sandeshnews/status/2080226951646806249

સાર્વત્રિક મેઘ મહેર વચ્ચે તંત્ર એક્શનમાં

નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક ધોધમાર વરસાદથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ છે. નવસારી જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, પૂરના પાણીમાં ફસાયેલા લોકોને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે તંત્રની ટીમો ખડેપગે તૈનાત છે.


આ પણ વાંચો - Heavy Rain In Navsari: શ્રીકાર વરસાદ વચ્ચે નવસારીના જૂજ ડેમની કેનાલમાં ગાબડું પડ્યું, ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના હાલ થયા બેહાલ