ભારે વરસાદને કારણે રાજ્યભરમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું સૌથી રૌદ્ર સ્વરૂપ નવસારી જિલ્લામાં જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં 10 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પૂર સંકટ વધુ ઘેરાયું છે. જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે નવસારી જૂજ ડેમની કેનાલમાં ગાબડું પડ્યું છે. જેને લઈને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા

મળતી માહિતી અનુસાર નવસારી જૂજ ડેમમાં વાંસદાના સીતાપુર નજીક ગાબડું પડવાની ઘટના સામે આવી છે. ગાબડું પડવાના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે અને શ્રીકાર વરસાદ વચ્ચે કેનાલ માં ગાબડું પડતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે અને ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હાલ ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની ગઈ છે. જોકે,

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 

નોંધનીય છે કે, નવસારીમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો ઘણા લોકોના ઘરો, દુકાનો અને ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં નવસારી શહેર નજીક વેહતી પૂર્ણા નદીએ પર જળસપાટી વટાવી દીધી છે. પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ફરી વળ્યા છે. વરસાદને કારણે શહેરનો રંગૂન નગર વિસ્તાર પાણીમાં ગરકાવ છે. રંગૂન નગર,કરિશ્મા ગાર્ડન, કાશીવાડીમાં પાણી ભરાયા છે. તો રિંગરોડ સહિતના વિસ્તારમાં 5 ફૂટ પાણી ભરાયા છે. રંગૂનનગર પાણીમાં ગરકાવ થતા 5 હજાર લોકો પ્રભાવિત થયા છે.

નવસારીમાં વરસાદથી તારાજી 

આ સિવાય નવસારી શહેરમાં પૂરથી તારાજી સર્જાઈ છે. નવસારીના વિજલપોર વિસ્તારમાં લોકોના હાલ બેહાલ થયા છે. જ્યારે સમગ્ર વિજલપોર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. ઘરોમાં પાણી ભરાતા ભારે નુકશાન થયું છે. નવસારી જિલ્લામાં મેઘ તાંડવ યથાવત છે. જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ચીખલીથી વાંસદા થઈ સાપુતારા સ્ટેટ હાઇવે બંધ છે. કાવેરી નદીના બ્રિજ પર પાણી ફરી વળતા હાઇવે બંધ થઈ છે. સ્ટેટ હાઇવે બંધ કરાતા વાહનોની લાંબી લાઇનો લાગી છે. તંત્ર દ્વારા પાણીની નજીક ન જવા લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો: Surat Heavy Rain: સુરતીઓના હાલ થયા બેહાલ, ભારે વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ