બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણ બદલાશે અને વરસાદી માહોલ વધુ તીવ્ર બનશે.હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદી માહોલ સર્જાશે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, તીવ્ર પવન અને ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા રહેલી છે.હવામાન વિભાગે જાહેર કરેલી વિગતો અનુસાર ૧૧ સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી નજીક નવી લો-પ્રેશર સિસ્ટમ આકાર લેશે.
હવામાન વિભાગે કરી આગાહી
આ નવી સિસ્ટમના પ્રભાવ હેઠળ 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં વ્યાપક ફેરફાર જોવા મળશે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.12 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 13 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા દર્શાવાઈ છે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, અમદાવાદ, આણંદ, ખેડા, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની તેમજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
