અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર પંથકની નદીઓ અને જળાશયોમાં પાણીની મબલખ આવક થઈ રહી છે. ખાસ કરીને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે મેઘરજ તાલુકામાં આવેલો પ્રખ્યાત વૈડી ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જવાના આરે પહોંચ્યો છે. ડેમમાં સતત પાણીની આવક વધી રહી હોવાથી સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ડેમમાં 2,913 ક્યુસેક આવક સામે 3,761 ક્યુસેક પાણી છોડાયું

સત્તાવાર માહિતી અનુસાર, વૈડી ડેમમાં હાલ 2,913 ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે. ડેમની મુખ્ય જળસપાટી 199.84 મીટર પર પહોંચી ગઈ છે, જેના કારણે ડેમ ગમે તે ક્ષણે ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને ડેમની સલામતી માટે હાલ તંત્ર દ્વારા ડેમમાંથી 3,761 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.


હેઠવાસના ગામોને એલર્ટ કરાયા, તંત્ર સતર્ક

વૈડી ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં જ નદી કાંઠાના અને હેઠવાસમાં આવેલા ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. નદીના પટમાં કોઈ પણ વ્યક્તિને ન જવાની અને પશુઓને દૂર રાખવાની તાકીદ કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News: પરિમલ, શાહિબાગ, અખબારનગર અને મકરબા અંડરપાસ બંધ, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા