સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ હવામાનમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મુસળધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં માત્ર થોડા જ સમયમાં 3 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ નોંધાયો છે, જેનાથી સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
વિજયનગર અને પોશીનામાં 2 ઇંચ વરસાદ
બીજી તરફ વિજયનગર અને પોશીના તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણીના પટ વહેવા લાગ્યા હતા અને નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
