મુંબઈમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનની અસર હવાઈ મુસાફરી પર પણ જોવા મળી રહી છે. મુંબઈ એરપોર્ટ પર હવામાન અનુકૂળ ન હોવાને કારણે કેટલીક ફ્લાઈટ્સના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને સુરક્ષાના કારણોસર વડોદરા એરપોર્ટ પર ઉતારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મુંબઈમાં ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે વિમાનનું લેન્ડિંગ મુશ્કેલ બન્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાયલોટે ફ્લાઈટને વડોદરા તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે મુંબઈ જવાના મુસાફરોને થોડો સમય વડોદરા એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. આ ઉપરાંત ઈન્ડિગોની એક ફ્લાઈટ પણ મુંબઈમાં લેન્ડ થઈ શકી નહોતી અને તેને વડોદરા એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી.
હૈદરાબાદથી વડોદરા આવતી ફ્લાઈટ લગભગ 40 મિનિટ મોડી પહોંચી
હવામાન સામાન્ય થયા બાદ ફ્લાઈટને ફરી મુંબઈ તરફ રવાના કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. હવામાનની અસર અન્ય ફ્લાઈટ્સ પર પણ પડી હતી. હૈદરાબાદથી વડોદરા આવતી ફ્લાઈટ લગભગ 40 મિનિટ મોડી પહોંચી હતી. મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો, જોકે એરલાઈન્સ દ્વારા મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું
મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે હવે હવાઈ સેવાઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે. એરલાઈન્સ દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પહોંચતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લે, જેથી મુસાફરી દરમિયાન મુશ્કેલી ટાળી શકાય. વડોદરા એરપોર્ટ પર અચાનક વધેલા ફ્લાઈટ ટ્રાફિકને કારણે મુસાફરોની સંખ્યા વધી હતી. એરપોર્ટ તંત્ર દ્વારા મુસાફરો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad News: લાલ દરવાજા પાસે તોતિંગ વૃક્ષ પડતા 6થી 7 ગાડીઓ દબાઈ ગઈ