સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે.અષાઢી બીજના પાવન પર્વે વરસાદી માહોલ જામતા જગતનો તાત ભારે હરખાયો છે.કારણ કે લોકવાયકા મુજબ અષાઢી બીજે પડતો વરસાદ ખેડૂતો માટે શુકનવંતું મુહૂર્ત માનવામાં આવે છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ અષાઢી બીજનું આ મુહૂર્ત બરાબર સાચવી રાખતા સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલી શહેર અને જિલ્લામાં વરસાદ ખાબક્યો

આ અંતર્ગત અમરેલી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો અને અસહ્ય બફારા બાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. અમરેલીના વડીયા, વડેરા, રંગપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને બગસરા પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના સાયલમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં શરૂ થતાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી તેવા સમયે ખેડૂતોને મોટી રાહત મળી છે અને તેમનામાં નવી આશાનો સંચાર થયો છે.

કચ્છના રાપરમાં પણ મેઘરાજાની મહેર 

સૌરાષ્ટ્રની સાથે-સાથે કચ્છના રાપરમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે, જ્યાં સવારથી જ સતત વરસાદી ઝાપટાં શરૂ રહેતા અંદાજે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાપર શહેરના બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ સમગ્ર પંથકોમાં લાંબા સમયથી પ્રવર્તતા ભારે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાનું આગમન થતાં સમગ્ર વાતાવરણમાં મધુર ઠંડક પ્રસરી ગઈ છે અને જનજીવનને ગરમીથી મોટી રાહત મળી છે.

આ પણ વાંચોઃ Kutch: રાપરમાં કચ્છી નવા વર્ષ અને ભવ્ય રથયાત્રા વચ્ચે મેઘરાજાની શુકનવંતી પધરામણી