રાજકોટ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ખાસ કરીને વેસ્ટ ઝોનમાં મુસળધાર વરસાદ ખાબક્યો છે. વેસ્ટ ઝોનમાં માત્ર એક જ કલાકના ગાળામાં 4.5 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસેલા આ વરસાદને કારણે વેસ્ટ ઝોનમાં આજનો કુલ વરસાદ 6 ઇંચ સુધી પહોંચી ગયો છે, જેનાથી શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે.  

સેન્ટ્રલ અને પૂર્વ ઝોનમાં પણ નોંધપાત્ર વરસાદ

શહેરના અન્ય ભાગોની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ ઝોનમાં પણ પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. જોકે, વેસ્ટ ઝોનની સરખામણીએ આ વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહ્યું હતું, પરંતુ સાર્વત્રિક વરસાદી માહોલને કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે.  

મુખ્ય માર્ગો પર જળબંબાકાર અને વાહનચાલકો પરેશાન  

વેસ્ટ ઝોનમાં ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે કાલાવડ રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ અને 150 ફીટ રિંગ રોડ જેવા ધમધમતા રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાનું તંત્ર સ્થિતિ પર નજર રાખીને પાણીના નિકાલ માટેની કામગીરીમાં જોડાયું છે.  

આ પણ વાંચો : Suratમાં નશાકારક સિરપ નો પર્દાફાશ!, પ્રતિબંધિત કફ સિરપની 105 બોટલો સાથે એકની ધરપકડ...