રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલો ભાદર-2 ડેમ ચાલુ ચોમાસાની સીઝનમાં બીજી વખત સંપૂર્ણ ભરાઈને છલકાયો છે. ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની વિપુલ આવક થઈ રહી હતી. પાણીની આવક વધતાં જળસપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમનો 1 દરવાજો અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે, જેના કારણે ડેમની નીચેના ભાગે પાણીનો મનોરમ્ય પ્રવાહ વહી રહ્યો છે.
ભાદર નદીમાં 1000 ક્યુસેક પાણીની આવક
ડેમનો દરવાજો ખોલાતાં જ ભાદર નદીમાં 1000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના આ સતત પ્રવાહને કારણે ભાદર નદી બંને કાંઠે વહેતી થઈ છે. ચોમાસાની સીઝનમાં બીજી વાર ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ખુશીની લહેર ફરી વળી છે, કારણ કે આ પાણીથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે.
