હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે તાત્કાલિક વેધર બુલેટિન જાહેર કરીને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.રાત્રે 11 વાગ્યાથી થી મોડી રાત્રે 2 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણી

બીજી તરફ, મોરબી, જામનગર, દ્વારકા, પંચમહાલ, સુરત, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને ભાવનગર જેવા જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, બોટાદ, અમરેલી, દીવ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં 'યલો એલર્ટ' હેઠળ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેને પગલે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. 

સુરતમાં ભારે વરસાદની આગાહી

સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરત કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરવવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્તમાન વરસાદી માહોલ દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતી માહિતી અને સૂચનાઓનું જ કડકપણે પાલન કરવા વિનંતી કરાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 89 શંકાસ્પદ કેસ નોંધાયા, 12 દર્દીઓના મૃત્યુ