સુરત શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં ક્રિષ્ના નગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે.થોડા દિવસ અગાઉ પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી.જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.દર વર્ષે ખાડીપૂરની સમસ્યા અંગે માત્ર વાતો જ થાય છે અને પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં જતાં હોવાનો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.તેમજ આ અંગે જવાબદાર લોકો કે તંત્ર સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું
સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સતત વરસાદના લીધે શહેરમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. આ દરમિયાન ભેદવાડી ખાડી ઓવરફ્લો થતાં નજીકના ખેતરો, રહેણાંક ઘરો તેમજ કોમ્પલેક્ષોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ખાડી પૂર અને જળબંબાકારની ગંભીર સ્થિતિને જોતાં વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને એલર્ટ પર રહેવા કડક આદેશ આપવામાં આવ્યા છે.

મેયર માયાબેન માવાણીને સવાલો કરવામાં આવ્યા
શહેરના મેયર માયાબેન માવાણીને સવાલો કરવામાં આવ્યા હતાં પરંતુ તેઓ તંત્રના પાપે આ ખાડી પૂર આવ્યું તેના વિશે કશું જ બોલી શક્યા નહોતા. માત્ર કામગીરી થશે અને કરી છે તેવી વાતોમાં જ રચ્યા પચ્યા હતાં. અધિકારીઓ સામે કામગીરીને લઈને જે એક્શન થવી જોઈએ તે અંગે પણ તેઓ કશું જ બોલી શક્યા નહોતા. તેમણે માત્ર રોડના કામમાં ગેરરીતિ કરનારા અધિકારીઓને નોટીસ આપી છે તેવો ગોળગોળ જવાબ આપ્યો હતો. જે દબાણોને કારણે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ રહી છે તે અંગે પણ તેમણે કહ્યું હતું કે, દબાણોની કામગીરી ચાલુ છે. નિરીક્ષણ કર્યા બાદ એક્શન થશે. પરંતુ જ્યારે આ દબાણો માટેની ફાઈલો પાસ કરવાની વાત આવી ત્યારે તેમણે ચાલતી પકડી હતી.

વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી
સુરત શહેરમાં ખાડીપૂરની પરિસ્થિતિને થાળે પાડવા માટે સુરત મહાનગરપાલિકા (SMC)નું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈપણ કટોકટી પહોંચી વળવા NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે BRTS અને સિટી બસના ૫ રૂટ બંધ કરવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Dang Rain: જિલ્લામાં વરસાદી માહોલના આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video