સુરત શહેર અને જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરની તમામ ખાડીઓ બંને કાંઠે વહેવા લાગી છે.મીઠી, ભેદવાડ અને સીમાડા ખાડીઓ ઓવરફ્લો થતાં તેના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે.ખાડી કિનારે સ્થિતિ અત્યંત ગંભીર બની જતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.ખાડીના પૂરના પાણી કુંભારિયા ગામ સહિતના અનેક વિસ્તારોમાં ઘૂસી જતાં ઘરો અને મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ખાતરની 3 હજારથી વધુ ગુણો પલળી
કુંભારિયા ગામના મંદિરમાં પાણી ભરાઈ જવાના કારણે ભક્તો દર્શન કરવા પહોંચી શક્યા ન હતા જેનાથી લોકોનો રોજિંદો દર્શનનો ક્રમ ખોરવાયો છે.અનેક વિસ્તારો જળબંબાકાર થતાં સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે.સુરતના માંગરોળ તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. પીપોદરા ખાતે આવેલી સહકારી મંડળીના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી જતાં ખાતરની 3 હજારથી વધુ ગુણો પલળીને બગાડ પામી છે.પૂરના પાણી ગોડાઉનમાં ભરાઈ જવાના કારણે મંડળીને આર્થિક રીતે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કીમની અમૃતનગર સોસાયટી પૂરના પાણીમાં ગરકાવ
જ્યારે કીમ પંથકમાં પડેલા મુસળધાર વરસાદથી કીમની અમૃતનગર સોસાયટી પૂરના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કીમ સ્થિત પ્રસિદ્ધ શિવ મંદિરમાં પૂરના પાણી ઘૂસી જતાં મંદિરનું શિવલિંગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે અને મંદિરની સામે આવેલા રહેણાંક ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત પાલિકા અને જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પમ્પિંગ અને રેસ્ક્યૂ બોટ તૈનાત કરવામાં આવી છે.

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પૂર
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં સર્જાઈ છે.પર્વત પાટિયા સ્થિત માધવબાગ સોસાયટીના 400થી વધુ ઘરોમાં ખાડીના ગંદા પૂરના પાણી ઘૂસી જતાં સમગ્ર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે.ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી ફરી વળતાં અનાજ અને ઘરવખરીનો સામાન નષ્ટ થઈ ગયો છે.દર વર્ષે સર્જાતી આ માનવસર્જિત ખાડી પૂરની આફતથી કંટાળેલા સ્થાનિક રહીશોમાં તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,નેતાઓ માત્ર મત માગવા આવે છે કાયમી ઉકેલ કે કામ માટે કોઈ ડોકાતું નથી.
આ પણ વાંચોઃ Surat: ચોમાસામાં બીજી વખત સુરતમાં ખાડી પૂરની કટોકટી, પર્વત પાટિયાની માધવબાગ સોસાયટીના 400થી વધુ ઘરો ગરકાવ