સુરત શહેરમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝોન A માં 113 મિમી અને વરાછા ઝોન B માં 112 મિમી ખાબક્યો છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં 91 મિમી, રાંદેર ઝોનમાં 85 મિમી, કતારગામ ઝોનમાં 81 મિમી, લિંબાયત ઝોનમાં 80 મિમી, અઠવા ઝોનમાં 63 મિમી અને ઉધના ઝોનમાં 67 મિમી વરસાદ નોંધાયો છે.
પોલીસ તંત્ર ખડેપગે અને રાહત-બચાવ કામગીરી
ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સુરત પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધતાં પોલીસે ત્યાં રહેતા નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. શહેરના જળમગ્ન વિસ્તારોમાં વાહનવ્યવહાર પૂર્વવત રાખવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે, તેમજ પાણી ભરાયેલા મુખ્ય માર્ગો પરથી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
