છેલ્લા 24 કલાકથી રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ આફતની સ્થિતિમાં જનતાની સાથે છે અને સમગ્ર વહીવટી તંત્ર નાગરિકોની સલામતી માટે ખડેપગે છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા, GSDMAના CEO ધવલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિનું રિયલ ટાઇમ નિરીક્ષણ કરી રહ્યા છે.

ગુજરાતના કુલ 11 જિલ્લાઓમાં આજે ‘રેડ એલર્ટ’

રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કુલ 11 જિલ્લાઓમાં આજે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે, જ્યાં આજે રાત્રે પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લાઓને ‘ઓરેન્જ ઝોન’માં રાખવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા તમામ તકેદારી લેવામાં આવી છે તથા બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ તંત્ર સજ્જ છે.

વલસાડમાં 3 NDRF અને 5 SDRFની ટીમો કાર્યરત

વલસાડમાં 3 NDRF અને 5 SDRFની ટીમો કાર્યરત છે. કેન્દ્ર સરકારની મદદથી વધુ 4 NDRFની ટીમો એરલિફ્ટ કરીને સુરત લાવવામાં આવી રહી છે, જેમાંથી 2 ટીમ વલસાડ, 1 નવસારી અને 1 સુરત ખાતે તૈનાત રહેશે.આ ઉપરાંત, આર્મીની બે કોલમ પણ વલસાડ અને નવસારી માટે રવાના કરી દેવામાં આવી છે.અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 12 હજારથી વધુ અને નવસારી જિલ્લામાં 10 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વલસાડમાં 200થી વધુ અને નવસારીમાં 50થી વધુ પાણીમાં ફસાયેલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.

GSDMA હસ્તકની 25 બોટ્સ વલસાડ મોકલવામાં આવી

રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે GSDMA હસ્તકની 25 બોટ્સ વલસાડ મોકલવામાં આવી છે. જેમાંથી જરૂર જણાયે કેટલીક બોટ્સ નવસારી ખાતે ડિપ્લોય કરવામાં આવશે.રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે મોસમના કુલ સરેરાશ વરસાદના 36% જેટલો થાય છે.વોટર ઓવરટોપિંગ સહિતના કારણોસર રાજ્યમાં હાલ 1200 જેટલા રસ્તાઓ બંધ છે. જેમાંથી, મોટાભાગના રસ્તા પંચાયત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના છે. જેમ જેમ પાણી ઓસરશે તેમ રસ્તાઓ ફરીથી કાર્યરત કરવામાં આવશે.સાવચેતીના ભાગરૂપે અને જાન-માલની હાનિ રોકવા માટે, જે જિલ્લાઓ 'રેડ ઝોન' અને 'ઓરેન્જ ઝોન' માં છે ત્યાં તમામ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News:નોર્થ વેસ્ટ ઝોનમાં 80 સોસાયટીમાં પાણી ભરાયા, સાઉથ બોપલની કફોડી હાલત