સુરતના કામરેજમાં આવેલી આત્મીય વિલા સોસાયટીમાં ગત રોજ ભારે વરસાદને કારણે સોસાયટીની દીવાલ ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના બની હતી.આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે.જેમાં દીવાલ તૂટતાની સાથે જ તેની બાજુમાં પાર્ક કરેલી ત્રણ કાર પાણીના વહેણમાં તણાઈ જતી સ્પષ્ટ જોઈ શકાય છે.આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.બીજી તરફ સરથાણા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. 

1

શાંતિનિકેતન સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ ગયા

સરથાણાની શાંતિનિકેતન સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે.જેના કારણે રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.સોસાયટીમાં પાણી ભરાતા લોકો માટે ભોજન અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ પણ દુર્લભ બની ગઈ છે.આ કપરી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકોમાં તંત્ર અને રાજકીય નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ અત્યારે ગાયબ છે અને પૂરની આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં વહીવટી તંત્ર હજુ પણ નિષ્ક્રિય છે.સરથાણાના લોકો લાચાર બનીને આવી મુશ્કેલ સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.જે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે.

3

ઉધના વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની

સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉધના વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે.ઉધનાની લાલિમા નગર જેવી સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળતા આશરે 2 હજારથી વધુ ઘરો જળમગ્ન થઈ ગયા છે.વર્ષો બાદ ફરી એકવાર આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.ફાયર વિભાગના જવાનોએ હોડી મારફતે સોસાયટીઓમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને રેસ્ક્યુ ઓપરેશન સફળ બનાવ્યું હતું. 

આ પણ વાંચોઃ Surat News: બારડોલીમાં મીંઢોળા નદી ગાંડીતૂર, તલાવડી વિસ્તારના 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા