હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,જેના પગલે આગામી ત્રણ દિવસ સુરત માટે ભારે સાબિત થઈ શકે છે.બંગાળની ખાડીમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં મિની વાવાઝોડા અને ભારે પવન સાથે અતિભારે વરસાદની સંભાવના છે.આજે શહેરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે ૩૧ જુલાઈના રોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે અને તકેદારીના તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

100થી વધુ જોખમી વીજપોલ હટાવી લેવામાં આવ્યા

સ્થિતિની સમીક્ષા કરતાં સુરત મનપા કમિશ્નર એમ.નાગરાજને જણાવ્યું હતું કે,વરસાદ અને પવનની તીવ્રતાને જોતાં શહેરના સુરક્ષા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 155 જોખમી હોર્ડિંગ્સ, 102 જેટલા જોખમી વૃક્ષો અને 100થી વધુ જોખમી વીજપોલ હટાવી લેવામાં આવ્યા છે.આ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષા માટે ડુમસ સી ફેઝ પણ બંધ કરી દેવાયો છે.જો શહેરમાં પાણી ભરાય તો તાત્કાલિક રાહત કામગીરી માટે વધારાના ડી-વોટરિંગ પંપ અને JCB મશીનો મંગાવવામાં આવ્યા છે તેમજ વેપારીઓ સાથે સંકલન સાધીને લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

મનપા તંત્ર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં

કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે મનપા તંત્ર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં છે.નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે ટીમો સજ્જ કરવામાં આવી છે,જ્યારે NDRF અને SDRFની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મનપા કમિશ્નરે લોકોને માનસિક રીતે તૈયાર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. વરસાદના આધારે સ્થિતિનો આંકલન કરીને તંત્ર દ્વારા તમામ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Patan જિલ્લા કલેક્ટરનો આદેશ, વરસાદની ભીતિ વચ્ચે તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના