સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા 8 કલાકથી મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતાં આફતનો વરસાદ વરસાવ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે દરમિયાન ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આગામી 3 કલાક પણ સુરત માટે ભારે હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે આવતીકાલે સુરતની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
વરાછા અને હરીદર્શન વિસ્તારમાં કમર સમા પાણી ભરાયા
અવિરત વરસી રહેલા વરસાદને કારણે સુરત શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. વરાછામાં આવેલા ઉમિયાધામ મંદિરથી ફુલપાડા સુધીનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો બીજી તરફ હરીદર્શન વિસ્તારમાં કમર સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઊઠ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતાં મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.
