વલસાડ જિલ્લામાં ભારે વરસાદની વિપરીત પરિસ્થિતિને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આમ છતાં, વલસાડની 'શ્રી સરસ્વતી વિદ્યા મંદિર' દ્વારા સરકારી જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તંત્રના કડક આદેશોને નેવે મૂકીને શાળા સંચાલકો દ્વારા ધોધમાર વરસાદ વચ્ચે પણ 84 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું.
શાળાના ટ્રસ્ટીઓ દ્વારા બચાવમાં અજીબોગરીબ બહાના
શિક્ષણ વિભાગના આદેશનું ઉલ્લંઘન સામે આવતાં જ જ્યારે શાળા સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા પોતાનો બચાવ કરવા અજીબોગરીબ બહાના કાઢવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટીએ બેજવાબદાર નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "અમારા વિસ્તારમાં વરસાદ બહુ વધુ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા હતા." ટ્રસ્ટીના આ નિવેદનને પગલે વાલીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.
