ગુજરાતમાં શરૂઆતમાં થયેલા ભારે વરસાદ દરમિયાન સુરતમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. વેપારીઓ અને વાહન ચાલકોને આ પુરના પાણીના કારણે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં વરસાદ રોકાઈ જતાં શહેરમાં દવાનો છંટકાવ શરૂ કરાયો છે. ત્યારે હવામાન વિભાગે ફરીવાર સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી ત્રણ કલાક માટે સુરત સહિત ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  

આ વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ચાર મહત્વના જિલ્લાઓ માટે આગામી 3 કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં સુરત ઉપરાંત ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે અને આ દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આશંકા હોવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત રાજ્યમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમી દ્વારકા, જામનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું

સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ખાડીપૂર બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. પૂરના પાણી ઓસરતા જ નવી સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ઘસારો થઈ રહ્યો છે.જ્યાં માત્ર સિવિલ હોસ્પિટલમાં જ રોજના આશરે 600 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે.તાવ, ઝાડા-ઊલટી, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા સતત વધતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Monsoon 2026 : ગુજરાતમાં 21 જુલાઈ સુધી સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 45-50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા