ગુજરાતમાં ચોમાસાના પ્રારંભિક તબક્કામાં અણધાર્યા વિરામ બાદ હવે ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 21 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

એકસાથે 4 વરસાદી સિસ્ટમો સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં એકસાથે ચાર મોટી સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં લો પ્રેશર (અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોના કારણે રાજ્યભરમાં ભારે થન્ડર સ્ટોમ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

માછીમારોને દરિયાથી દૂર રહેવા કડક ચેતવણી

આ વરસાદી સિસ્ટમને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. પરિણામે, 17 થી 19 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, અમદાવાદ શહેરમાં આજે છૂટોછવાયો વરસાદ રહેશે, પરંતુ 16 જુલાઈએ અમદાવાદ જિલ્લામાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં  28 ટકા વરસાદ ઓછો નોંધાયો

વરસાદી માહોલ વચ્ચે એક ચિંતાજનક આંકડો પણ સામે આવ્યો છે. ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 226.1  mm વરસાદ થવો જોઈતો હતો, જેની સામે માત્ર 162.8 mm વરસાદ જ નોંધાયો છે. એટલે કે ગુજરાતમાં હજુ પણ 28 ટકા વરસાદની મોટી ઘટ વર્તાઈ રહી છે. જો કે, આગામી દિવસોમાં આવનારો નવો રાઉન્ડ આ ઘટને પૂરી કરે તેવી આશા ધરતીપુત્રો રાખી રહ્યા છે.


આ પણ વાંચો---   Gandhinagar : ગુજરાતમાં 'અશાંતધારો' હવે કહેવાશે 'સ્પેસિફાઈડ એરિયા', વાંચો મહત્વના સમાચાર