સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આવેલા શુભમ ભાર્ગવ આવાસના રહીશો દ્વારા વરસાદી પાણી ભરાઈ જવાના મુદ્દે મનપા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. થોડાક જ વરસાદમાં સમગ્ર આવાસ અને આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જવાની વારંવારની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. જેને પગલે લોકોએ પાણી ભરેલા રોડ પર જ બેસી જઈને ચક્કાજામ કરી દીધો હતો. 

લોકોએ તંત્રને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો

સુરતના વેસુના સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા વર્ષોથી વેસુ વિસ્તારમાં પાણી ભરાવાની આ ગંભીર સમસ્યા યથાવત છે અને આ બાબતે મનપામાં અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી.જેથી આક્રોશિત બનેલા લોકોએ રોડ પર ઉતરીને SMC જાગો જાગોના ગગનભેદી નારા લગાવી તંત્રને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

વેસુ વિસ્તારમાં સામાન્ય વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

સુરત શહેરના હાઈપ્રોફાઈલ અને પોષ વિસ્તાર ગણાતા વેસુમાં ફરી એકવાર ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. ખાસ કરીને વેસુના શ્યામ મંદિર નજીક અને આસપાસના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતાં અગાઉના વર્ષોની જેમ જ આ વખતે પણ સ્થાનિકોની સમસ્યા જેમની તેમ રહી છે. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત ડ્રેનેજ અને લાઈનોની યોગ્ય સફાઈ કે કામગીરી ન કરવામાં આવી હોવાથી આ સ્માર્ટ એરિયા પાણીમાં ગરકાવ થયો છે. જેને પગલે રોજિંદી અવરજવરમાં ભારે હાલાકી ભોગવી રહેલા રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોએ મનપા સમક્ષ ભરાયેલા પાણીના નિકાલ માટે કાયમી અને નક્કર વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરી છે.

નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા

સુરત શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરતા નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. મુશળધાર વરસાદના કારણે શહેરના વ્યસ્ત ગણાતા ઉધના રોડ અને ખાડી રોડ પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ઉધના બસ ડેપોથી લઈને લક્ષ્મીનારાયણ મંદિર સુધીનો આખો માર્ગ જળબંબાકાર થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Surat Weather: શહેરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી