વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં સતત પડેલા ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન સુમનદીપ વિદ્યાપીઠ સામે આવેલી 'લક્ષ્મી હોસ્ટેલ' પૂરના પાણીથી ઘેરાઈ જતાં અંદર રહેતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી હોસ્ટેલમાં ફસાયેલા લોકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો હતો.

ટ્રેક્ટર દ્વારા 150 લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ટીમ દ્વારા સમયસૂચકતા વાપરીને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા હોસ્ટેલમાં ફસાયેલી 100 યુવતીઓ, 40 યુવકો અને 10 મજૂરો મળી કુલ 150 લોકોને સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

https://twitter.com/sandeshnews/status/2083517399027061012

વહીવટી તંત્ર અને પોલીસની બિરદાવા યોગ્ય કામગીરી

મુશ્કેલ સમયમાં સમયસર પહોંચીને લોકોને નવજીવન આપનાર વહીવટી તંત્ર અને પોલીસની આ કામગીરીની સ્થાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા મુક્ત મને પ્રશંસા કરવામાં આવી રહી છે. પૂર જેવી આપત્તિ વચ્ચે તંત્રની આ ઝડપી અને સરાહનીય કામગીરીથી ફસાયેલા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો : Suratમાં આકાશી આફતે સર્જી હોનારત: કીમ અને તાપી નદી બે કાંઠે વહેતાં પૂરની સ્થિતિ, માંડવીમાં ગોડધા ડેમ તૂટ્યો!