વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જંગલ વિસ્તાર સહિતના વિસ્તારોમાં છેલ્લા બે કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે.
https://twitter.com/sandeshnews/status/2079984140188090747
ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા
મળતી માહિતી મુજબ, કપરાડામાં માત્ર બે કલાકમાં 5.6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ધરમપુરમાં બે કલાક દરમિયાન 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ નાનાપોંઢામાં પણ બે કલાકમાં 5.08 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક માર્ગો પર પાણી ભરાતા રસ્તાઓ નદી જેવા દેખાઈ રહ્યા છે.
જંગલ વિસ્તારમા મેઘરાજાની જનજાવતી બેટિંગ
વલસાડ જિલ્લાના જંગલ વિસ્તારના તાલુકાઓમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા નદીઓ, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક વધી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન લોકોને નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gujarat Weather: આજે મોડી રાત્રે 2 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર