મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી ગ્રામ્ય સ્તરે ચાલતી ગેરરીતિઓનો એક મોટો મામલો સામે આવ્યો છે. હળવદ તાલુકાના નવાં વેગડવાવ ગામના સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાની સત્તાવાર રજૂઆત મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. આ ગંભીર મામલે હળવદ તાલુકા પંચાયતના સદસ્ય મનસુખ કણઝરીયા દ્વારા લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા સ્થાનિક રાજકારણ અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ...

આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, નવાં વેગડવાવના સરપંચ ધનજી બાવલભાઈ દ્વારા સરકારી જમીનમાં દબાણ કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. માત્ર દબાણ જ નહીં પરંતુ આ જ ગેરકાયદેસર સ્થળ પર બાગાયતી યોજના હેઠળ ગ્રીન હાઉસની સરકારી સબસિડીનો આર્થિક લાભ પણ મેળવી લીધો હોવાના ચોંકાવનારા આક્ષેપો કરાયા છે. નિયમોને નેવે મૂકીને સરકારી અસ્કયામતો અને ગ્રાન્ટોની આ પ્રકારે થતી પઠાણી લૂંટ સામે હવે જાગૃત પ્રતિનિધિઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવતા ભ્રષ્ટાચારના આ કેસની સઘન તપાસની માંગ પ્રબળ બની છે.

તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન

આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટું અને આશ્ચર્યજનક પાસું એ છે કે, કલેક્ટર સમક્ષ આ ગંભીર રજૂઆત કરનાર તાલુકા પંચાયતના સદસ્ય મનસુખ કણઝરીયા પોતે સત્તાધારી પક્ષ ભાજપમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છે. પોતાના જ પક્ષના કે પંથકના સરપંચ સામે ખુદ પક્ષના જ આગેવાને મોરચો ખોલતા આ મુદ્દો હાલ મોરબી જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. કલેક્ટર તંત્ર દ્વારા આ લેખિત રજૂઆતને ગંભીરતાથી લઈને આગામી દિવસોમાં લેન્ડ ગ્રેબિંગ અને સબસિડી કૌભાંડ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકઆશા બંધાઈ છે.

આ પણ વાંચો : Dahod News : દેવગઢ બારિયામાં રાજકીય રસાકસી, પુત્ર ભાજપમાં, પિતા કોંગ્રેસમાં જોડાયા!