મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે છેલ્લા પાંચ મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.ગુજરાત સહિત અન્ય રાજ્યોના ખેડૂતો પણ આ આંદોલનને સમર્થન આપી ચૂક્યા છે.દરમિયાન રાજ્યના કૃષિ અને ઊર્જા મંત્રીઓ સાથે ખેડૂતોની બેઠક બાદ વળતરમાં 15 ટકાનો વધારો કરવાની શક્યતા સામે આવી છે.જોકે, ખેડૂતોની 24 મુદ્દાની રજૂઆતોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો ખેડૂતોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

બેઠકમાં ખેડૂતોએ 24 મુદ્દાઓ રજૂ કર્યા હતા

મોરબીના જેતપર ગામે વીજપોલ વળતર મુદ્દે શરૂ થયેલો ખેડૂતોનો સત્યાગ્રહ છેલ્લા પાંચ મહિનાથી યથાવત્ છે.રાજ્ય સરકારના પરિપત્રના વિરોધમાં ખેડૂતોએ અગાઉ મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.આંદોલનને ગુજરાતભરના ખેડૂતો ઉપરાંત આંતરરાજ્યના ખેડૂતોએ પણ સમર્થન આપ્યું છે.ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ મધ્યસ્થતા કરી હતી.તેમના પ્રયાસોથી રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ખેડૂતોએ 24 મુદ્દાઓ રજૂ કર્યા હતા.

લડત માત્ર કોરિડોરના વળતર પૂરતી મર્યાદિત નથી

દરમિયાન,મંગળવારે જગદીશભાઈ કોટડીયાએ ખેડૂતો સાથે બેઠક કરી હતી.જેમાં કોરિડોરનું વળતર અગાઉના 30 ટકાથી વધારીને 45 ટકા સુધી થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. એટલે કે વળતરમાં 15 ટકાનો વધારો થવાની વાત સામે આવી હતી.આ મુદ્દે ખેડૂતોનો અભિપ્રાય જાણવા બુધવારે રાત્રે જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે રાત્રિસભા યોજાઈ હતી. જેમાં વળતરમાં સૂચિત 15 ટકાનો વધારો સ્વીકારવો કે કેમ તે અંગે ખેડૂતોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. જોકે, ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની લડત માત્ર કોરિડોરના વળતર પૂરતી મર્યાદિત નથી.

ખેડૂતોની 24 મુદ્દાની માંગણીઓનો ઉકેલ

ખેડૂતોનું કહેવું છે કે તેમની 24 મુદ્દાની રજૂઆતોનો ઉકેલ લાવવામાં આવે અને તે અંગે સત્તાવાર પરિપત્ર આપવામાં આવે ત્યાર બાદ જ આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોની ચીમકી છે. વીજપોલ વળતર મુદ્દે પાંચ મહિનાથી ચાલી રહેલા આંદોલનનો અંત ક્યારે આવશે તે હવે સરકારના નિર્ણય પર નિર્ભર છે. ખેડૂતોની 24 મુદ્દાની માંગણીઓનો ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.

આ પણ વાંચોઃ Gangotri Highway Accident: ગંગોત્રી હાઇવે પર નદીમાં ખાબકી ગુજરાતના શ્રદ્ધાળુઓની કાર.. 4 લોકોના મોત