વાંકાનેર તાલુકાના સતાપર ગામમાં એક દુઃખદ ઘટના બની હતી. જ્યાં એક દીપડાનું વીજશોક લાગવાથી મોત થયું હતું. આ ઘટના સતાપર ગામના ખેડૂત કુશલભાઈ મકવાણાની વાડીમાં ગત રાત્રિ દરમિયાન બની હતી. દીપડાના મોતથી ખેડૂતોમાં ફેલાયેલો ભય હવે દૂર થયો છે. રાત્રિના સમયે ખેડૂતની વાડીમાં આવેલા ટ્રાન્સફોર્મર પર દીપડો ચડી ગયો હતો.


ટ્રાન્સફોર્મર પર ચડી ગયેલા દીપડાને વીજશોક લાગતા મોત

ટ્રાન્સફોર્મર પર ચડતા જ દીપડાને જોરદાર વીજશોક લાગ્યો હતો. વીજશોકના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ સવારે થતા ખેડૂતોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દીપડાના મૃતદેહનો કબજો લીધો હતો.

ગતરાત્રીના બનેલા બનાવ અંગે વન વિભાગને જાણ કરાઈ

વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને વીજશોક લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા હતા. જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો. રાત્રિના સમયે વાડીએ જતાં ખેડૂતોમાં ચિંતા હતી. જોકે આ ઘટના બાદ દીપડાનો ભય દૂર થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.


  • Follow us on: