1979નું એ વર્ષ હતું અને તારીખ 11 ઓગષ્ટ...બરાબર આજથી 46 વર્ષ પહેલા બનેલી દૂર્ઘટનાને આજે પણ મોરબીવાસીઓ ક્યારેય ભુલી શકતા નથી. મોરબીનો મચ્છુ-2 ડેમ અચાનક તૂટ્યો અને અનેકની જીંદગી તહસ નહસ થઇ ગઇ હતી. એવો કોઇ પરિવાર ન હતું કે જેણે કંઇ ગુમાવ્યું ન હતું. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો અને લોકો તહેવારોના આનંદમાં મગ્ન હતા ત્યારે જ આ દૂર્ઘટના બની અને મોરબીવાસીઓ પર જાણે કે કાળ ત્રાટક્યો હતો.
25 ઇંચ વરસાદના કારણે ડેમ પણ ભરાઇ ગયો હતો
શ્રાવણ માસ અને 10મી ઓગષ્ટે મોરબી વિસ્તારમાં અતિ ભારે કહી શકાય તેવો વરસાદ વરસ્યો હતો. એકધારા વરસેલા અતિ ભારે 25 ઇંચ વરસાદે ચારેબાજુ જળબંબાકારની પરિસ્થિતી તો સર્જી હતી . સતત ભારે વરસાદ અને ઉપરવાસમાં આવી રહેલા પાણીના અતિ ભારે પ્રવાહને જોતાં મચ્છુ ડેમના દરવાજા ખોલવા જ પડે તેવા હતા પણ વીજળી ડુલ થઇ ગઇ હતી જેથી દરવાજા કેવી રીતે ખોલવા તે પણ પ્રશ્ન હતો.
Also Read
બપોરના સુમારે અચાનક જ પાળો તૂટ્યો
અને પછી આવી એ ગોઝારી પળ જેની મોરબીવાસીઓએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી. બપોરના ત્રણથી સવા ત્રણ વાગ્યાના અરસામાં અતિ ભારે પાણીના પ્રવાહના કારણે ડેમનો નવાગામ તરફ આવેલો પાળો અચાનક તૂટ્યો હતો અને પાણીનો ધસમસતો પ્રવાહ આસપાસ ફરી વળ્યો. ઘોડાપૂર કહી શકાય તેવા પાણીના પ્રવાહે લીલાપર ગામને પોતાની ઝપેટમાં લઇ લીધું અને ત્યારબાદ આ ઘોડાપૂર મોરબી તરફ આવવા લાગ્યું
25થી 30 ફૂટ પાણીના ધસમસતા પ્રવાહે વિનાશ સર્જ્યો
મોરબીવાસીઓ કંઇ સમજે તે પહેલાં જ ઘોડાપૂરના ધસમસતા પાણીના પ્રવાહે મોરબીને પણ રીતસર જકડી લીધું હોય તેમ પૂરના પાણી મોરબીમાં ફરી વળ્યા હતા. 25થી 30 ફૂટ પાણીના ધસમસતા પ્રવાહે પોતાના રસ્તામાં જે કંઇ આવ્યું તેને પોતાની સાથે જ જાણે કે લઇ લીધું હતું. મકાનો, લોકો , સામાન, પશુ જે પણ આવ્યું તે તહસ નહસ થઇ ગયું હતું. જે મોરબી શહેરમાં સવાર સુધી તહેવારોની ઉજવણીનો માહોલ હતો તે મોરબી શહેર બપોર બાદ જાણે કે સ્મશાનમાં ફેરવાઇ ગયું હતું. અચાનક જ આવેલા પાણીના પ્રવાહને લોકો સમજે તે પહેલાં જ ગામ જાણે કે સ્મશાનમાં ફેરવાઇ ગયું હતું.
એક પાળો તૂટ્યો કે ધસમસતું પાણી ચારે બાજુ ફરી વળ્યું
તે વર્ષે મોરબી સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસેલો હતો અને તેના કારણે મોરબીનો મચ્છુ ડેમ ભરાયેલો જ હતો અને તેમાં 10મી તારીખે રાત્રે એકધારા વરસેલા 25 ઇંચ વરસાદના કારણે મચ્છુ ડેમ આખરે તુટી ગયો હતો. એક પાળો તૂટ્યો કે ધસમસતું પાણી ચારે બાજુ ફરી વળ્યું હતું.
ચારે બાજુ સ્મશાન જેવો માહોલ
ચારેબાજુ ફરી વળેલા ધસમસતા પાણીના પ્રવાહના કારણે એક અંદાજ મુજબ 6500થી વધુ મકાનો, 1800થી વધુ ઝુંપડા સદંતર નાશ પામ્યા હતા તો 3900થી વધુ મકાનોને નુકશાન થયું હતું. લોકોની ઘરવખરી તણાઇ ગઇ હતી. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 1439 લોકોના મોત થયા હતા તો 12849 પશુઓના પણ મોત થયા હતા.
મોરબીમાં જ્યાં જુઓ ત્યાં માનવ શબ પડેલા હતા
જો કે સરકારી આંકડા ભલે ગમે તે ચિત્ર રજૂ કરતાં હોય પણ આ ભયંકર દૂર્ઘટનામાં હજારો લોકો અને હજારો પશુઓ મોતને ભેટ્યા હતા. મોરબીમાં જ્યાં જુઓ ત્યાં માનવ શબ પડેલા હતા તથા પશુઓના શબ પડેલા હતા. ઘરવખરીનો સામાન પણ ઠેર ઠેર વિખરાઇ ગયેલો જોવા મળતો હતો. કોઇ કલ્પના પણ ના કરી શકે તેવા ડરામણા દ્રષ્યો મોરબીમાં તે સમયે જોવા મળ્યા હતા. આજે પણ મોરબીવાસીઓ આજની 11મી ઓગષ્ટ ભુલી શક્યા નથી. કારણ કે ઇતિહાસમાં ક્યારેય જોવા ના મળી હોય તેવી ભયંત્ર દૂર્ઘટના સર્જાઇ હતી. રોગચાળો ના ફેલાય તે માટે સરકારે તે વખતે મનવ શબ અને પશુના શબને સામુહિક દફનાવ્યા હતા.













