મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માનગઢ ગામે એક વીજપોલ પાસેની જમીનમાંથી અચાનક ગરમ હવા નીકળવાની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને ભયનો માહોલ સર્જાયો હતો. જમીનમાંથી ગરમ વાયુ કે કોઈ કુદરતી ગેસ નીકળતો હોવાની વિવિધ અફવાઓએ જોર પકડ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગરથી વિશેષ ટીમ અને જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.
GSI ની તપાસમાં ખુલાસો
જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) ની ટીમે ટેકનિકલ તપાસ કરતા અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં જમીન નીચે કોઈ કુદરતી ગેસ કે જ્વાળામુખી જેવી બાબત નથી પરંતુ વીજપોલ સાથે અર્થિંગનો તાર જોડેલો ન હતો. અર્થિંગના અભાવે વીજપોલમાંથી વીજ કરંટ સીધો જમીનમાં ઉતરી રહ્યો હતો, જેના લીધે તાપમાન વધતાં જમીનમાંથી ગરમ હવા બહાર ફેંકાઈ રહી હતી.
