મોરબીમાં જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 19 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા ખેડૂત નેતા અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર પ્લાન્ટ પર સરકારી તંત્ર ત્રાટક્યું છે. ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ ની સંયુક્ત ટીમો દ્વારા રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ઓચિંતી તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક રાજકારણમાં ગરમાવો 

આ દરોડાને પગલે મોરબીના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાકેશ અમૃતિયાએ તંત્રની આ કાર્યવાહી સામે આકરા પ્રહારો કરતા સીધો આરોપ લગાવ્યો છે કે, સરકાર સામે ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવવા બદલ તેમને બદલાની ભાવનાથી હેરાન કરવામાં આવી રહ્યા છે. 

તમારે જે કરવું હોય તે કરી લો

તેમણે તંત્રને લલકારતા જાહેરમાં જણાવ્યું હતું કે, "તમારે જે કરવું હોય તે કરી લો, મારું બધું જ કામ કાયદેસર ચાલે છે. હું ન તો સરકારથી ડરવાનો છું કે ન તો કોઈ અધિકારીથી ડરવાનો છું."ૉ

આંદોલનને દબાવવાનો આરોપ

આ તરફ, જેતપર આમરણાંત ઉપવાસ આંદોલનને દબાવવા માટે સરકાર આ પ્રકારના દબાણના રસ્તા અપનાવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 

ખેડૂતોએ સોશિયલ મીડિયામાં આપ્યો ટેકો

આ ઘટના બાદ મોરબી અને આસપાસના વિસ્તારના ખેડૂતો રાકેશ અમૃતિયાના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતોએ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં પોસ્ટ મૂકીને તંત્રની આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને ખેડૂત નેતાને પોતાનો પૂરો ટેકો જાહેર કર્યો છે. હાલમાં આ દરોડાની કાયદેસરની તપાસ શું વળાંક લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.   


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં