મોરબી (Morbi) શહેરમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને બ્લેકમેલિંગનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતી દ્વારા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને યુવાનને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોટેલમાં બોલાવીને મોટો ખંડણી રેકેટ ચલાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીના ભાઈઓએ માંગી 12 લાખ રૂપિયાની ખંડણી
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાન સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેને એક હોટેલ (Hotel) પર મળવા માટે બોલાવ્યો હતો. યુવક જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે આ પૂર્વ આયોજિત કાવતરા મુજબ યુવતીના ભાઈઓ અને અન્ય સાથીદારો ત્યાં ધસી આવ્યા હતા અને યુવકને ડરાવી-ધમકાવીને કુલ 12,00,000 રૂપિયાની માતબર રકમની ખંડણી (Extortion) ની માંગણી કરી હતી. આ બ્લેકમેલિંગથી યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હતો.
